રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ છે. ત્યારે અમરેલી જિલ્લામાં ૯૮ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા હવે જિલ્લાની ૪ર૯ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે. જેમાં બાબરા તાલુકાની કુલ પ૮ ગ્રામ પંચાયત પૈકી ૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તા.૭ના રોજ ફોર્મ પાછા ખેંચવાની તારીખે બાબરા તાલુકાની કુલ ૧૧ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. જેમાં ઈસાપર, ધરાઈ, ભીલા, ભીલડી, થોરખાણ, સુકવળા, વાંકિયા, ઉંટવડ, વલારડી, કુંવરગઢ, અમરવાલપુર સહિતની ૧૧ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ બુટાણી, અશોકભાઈ, રાજુભાઈ, વિનુભાઈ સહિતે તમામ ૧૧ ગામનાં લોકોને ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.