બાબરા તાલુકાના ગમાપીપળીયા અને ઘુઘરાળા ગામના ખેડૂતોએ આજે વાંસાવડ પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરીમાં ઘુઘરાળા ફીડરમાં આવતા લો વોલ્ટેજની સમસ્યા અંગે આવેદનપત્ર આપ્યું હતું. ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો કચેરી ખાતે એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમની વાડીઓમાં ૪૦૦ વોલ્ટની જગ્યાએ માત્ર ૨૦૦ વોલ્ટ વીજળી મળે છે, જેના કારણે મોટર અને સ્ટાર્ટર બળી જાય છે. ભારતીય કિસાન સંઘના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા અને ભાનુભાઈ પાનશેરીયાએ નાયબ ઈજનેર ચૌધરી સમક્ષ ખેડૂતોની સમસ્યાઓ રજૂ કરી હતી. તેમણે માગણી કરી કે, ઘુઘરાળા ફીડરમાં પૂરતા વોલ્ટેજ (૪૦૦ વોલ્ટ) સાથે વીજ પુરવઠો આપવામાં આવે. શક્ય હોય તો દિવસે જ વીજ પુરવઠો આપવામાં આવે.