બાબરા ખાતે વર્ષોની પરંપરા મુજબ, અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સમસ્ત સુવાળીયા ઠાકોર સમાજ અને વેલનાથ પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે સુવાળીયા ઠાકોર સમાજના ધર્મગુરુ વેલનાથ બાપુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સવારે વેલનાથ બાપુનું પૂજન-અર્ચન અને મહાઆરતી બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બાબરા, અમરાપરા સહિત તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા. વાજતે-ગાજતે અને વેલનાથ બાપુના જયઘોષ સાથે શોભાયાત્રા શહેરની બજારો અને મુખ્ય માર્ગો પર ફરી વળી હતી. લોકો દ્વારા ઠેર ઠેર વેલનાથ બાપુની શોભાયાત્રાના દર્શન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન બાબરા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બપોરે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.