બાબરા શહેરમાં સમસ્ત યુવા બ્રહ્મસમાજ દ્વારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી બ્રહ્મસમાજની વાડી સ્થિત ગાયત્રી મંદિર ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ મંગલ અવસરે વડીલ અગ્રણી શૈલેષભાઈ કનૈયાના યજમાનપદે શાસ્ત્રી સુનિલભાઈ ત્રિવેદી, ઉદયભાઈ જાની અને યગ્નેશભાઈ શુક્લ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં ‘જય જય પરશુરામ’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સમાજના અનેક શ્રેષ્ઠીઓ તેમજ ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહોત્સવને સફળ બનાવવા યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.








































