બાબરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રેસિડેન્ટ વિસ્તારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ખુલ્લેઆમ દારૂના વેચાણનો પર્દાફાશ થયો છે. છેલ્લા ત્રણ મહિનાથી ઇંગ્લિશ દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે, જાણે કે ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. બુટલેગરો ખુલ્લેઆમ દૂધની ડેરીની જેમ દારૂ વેચી રહ્યા છે, અને દેશી દારૂ તો ઘરોમાં પીવાય છે. પોલીસ તંત્રના આશીર્વાદથી દારૂની ગમે ત્યાં ડિલિવરી થાય છે. પોલીસ માત્ર પૈસાના વહીવટમાં જ વ્યસ્ત હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે અનેકવાર પોલીસનું ધ્યાન દોરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવુ લોકો જણાવી રહ્યા છે. પોલીસની ઢીલી નીતિને કારણે બુટલેગરો સક્રિય થયા હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.