મોબાઈલ ફોનના વધી રહેલા ઉપયોગથી તેના કારણે માથાકૂટ થવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતા દિલીપભાઈ બાલાભાઈ ખટાણા (ઉ.વ.૩૭)એ અમરેલી સુળિયાટીંબા ખાતે રહેતા બદરૂભાઇ વલ્લભભાઇ વાઘેલા, મુકેશ વલ્લભભાઇ વાઘેલા, મુકેશ મુન્નાભાઇ વાઘેલા તથા જીતુભાઇ જગાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા બપોરે દોઢ વાગ્યે તેમને ફોન કરી બાબરા શાહ પેટ્રોલપંપ પાસે બોલાવ્યા હતા. તેમના સાળાની પત્નીને બદરૂભાઈ ફોન કરતાં હતા, જેનું મનદુઃખ રાખી તેમને ગાળો આપીને લોખંડની કોશનો ઘા મોઢાના ભાગે મારવામાં આવ્યો હતો અને લોખંડની ઈંગલ તથા લાકડી વડે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર મારીને ઈજા પહોંચાડી હતી. જે બાદ મુકેશ વલ્લભભાઈ વાઘેલા (ઉ.વ.૨૪)એ ગળકોટડી ગામે રહેતા દિલીપભાઈ બાલાભાઈ ખટાણા, રાયધનભાઈ બાલાભાઈ ખટાણા, જયરાજભાઈ હિરજીભાઈ ખટાણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મુકેશભાઈના મિત્ર જીતુભાઈ જગુબાઈને પ્રેમસંબંધની વાત ન કરવા જણાવ્યું હતું. જેનું મનદુઃખ રાખી તેમની તથા તેમના મિત્રો જીતુભાઈ અને મુકેશભાઈ પર જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.સી.બોરીચા વધુ તપાસ ચલાવી રહ્યા છે.