બાબરા શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી દારુના વેચાણ મુદ્દે પ્રેસ-મીડિયા દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન થાય છે. છેલ્લા ચાર મહિનાથી બાબરામાં પોલીસની મીઠી નજર તળે બુટલેગરો બેફામ બન્યા છે. આ અંગે વારંવાર અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થાય છે, છતાં પોલીસ તંત્રના પેટનું પાણી નથી હલતું. બાબરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે, રાજનેતાઓ પોતાના રાજકીય ધંધામાં મશગુલ છે. બાબરાના ઈંગોરાળા ગામે દારૂ ભરેલ ટ્રક બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો. બાબરાના બુટલેગરોએ આ દારૂ મંગાવ્યો હોય એવી ચર્ચા હતી. તેમાં ખુલ્લેઆમ દારૂનું કટિંગ થયું છે, પણ ઉપરથી પોલીસ અધિકારીની ભીંસ આવતા બુટલેગરો ટ્રક અને ૯૦ પેટીથી વધુનો દારૂ મૂકી નાસી ગયા હતા. પણ આ ટ્રક ઝડપાયા બાદ હાલ સુધી આ બાબતે કોઈનો અતોપતો લાગ્યો નથી. બાબરા શહેરમાં અમરાપરા નિલવળા રોડ દેશી દારૂ વેચવાનું મોટું પીઠું છે. ઇંગ્લિશ દારૂ તો હાઇવે રોડ ઉપર જાહેરમાં વેચાય છે. લોકોની માગ છે કે બાબરા શહેરમાં ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ બંધ કરાવે.