ભારતીય સંવિધાનના ઘડવૈયા અને દલિતોના ઉદ્ધારક ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિત્તે બાબરામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા બાબરા મુકામે એક વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મિટિંગમાં અમરેલીથી પધારેલા ડો. જીતેન્દ્ર પ્રિયદર્શીએ બાબાસાહેબના વિચારોના પ્રચાર-પ્રસાર પર ભાર મૂક્યો હતો. અગ્રણીઓએ સમાજને કુરિવાજો ત્યાગી શિક્ષણ પાછળ ખર્ચ કરવા અને એકતા જાળવવા આહવાન કર્યું હતું. ૧૪મી એપ્રિલે સવારે ૮ઃ૩૦ કલાકે બાબરામાં ભવ્ય શોભાયાત્રા નીકળશે, જ્યારે બપોર બાદ ખંભાળા મુકામે તાલુકા કક્ષાની ઉજવણી અંતર્ગત બાબાસાહેબના સ્ટેચ્યુનું અનાવરણ અને રાત્રે ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેનુ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.આ બેઠકમાં બાબરા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો, સરકારી અધિકારીઓ અને સમતા સૈનિક દળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા તન-મન-ધનથી સહકાર આપવા સંકલ્પ કર્યો હતો.









































