બાબરા શહેર અને તાલુકામાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નબળી પડતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. બાબરામાં મોટા અને નાના બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનોની લાઇનો લાગે છે તેથી અન્ય વાહનોને નીકળવું અત્યંત મુશ્કેલ બને છે અને અકસ્માતનો ભય રહે છે. પોલીસ આ સમસ્યા પડતી મૂકીને હાઇવે રોડ ઉપર અડીંગો જમાવીને વાહનોને મેમો આપે છે તેમજ નાના વાહનચાલકો પાસે મોટા ઉઘરાણા કરે છે. શહેર અને તાલુકામાં પોલીસની મહેરબાનીથી દેશી અને ઇંગ્લીશ દારૂનું મોટાપાયે ખાનગીમાં વેચાણ થાય છે, તેવા આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે. પોલીસની નિષ્ક્રિયતાથી શહેરનું યુવાધન દારૂ, જુગાર, ગાંજાના રવાડે ચડ્યું હોવાથી વાલીઓમાં ચિંતાનો માહોલ છે. બાબરાની કાયદાની પરિસ્થિતિ બગાડવા પાછળ રાજકીય આગેવાનોનો મોટો હાથ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.