બાબરાની સિદ્ધિવિનાયક, શ્રીજીનગર અને રામનગર સોસાયટીના રહીશો દ્વારા તા.૧૩ના રોજ નગરપાલિકા કચેરીમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ વિસ્તારના અમુક રહીશોએ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા જાહેર રસ્તાઓ પોતાની મરજી મુજબ બંધ કરી દેતા અન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આ વિસ્તારોમાં બ્લોક અને સી.સી. રોડ બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને અવરજવર કરવામાં સરળતા રહે. પરંતુ, કેટલાક લોકોએ પોતાના ઘરની બાજુમાં આવેલા રસ્તાઓ પર લોકોની અવરજવર નડતરરૂપ બનતી હોવાનું કારણ આપીને તે રસ્તાઓ બ્લોક કરી દીધા છે. જેના કારણે આ વિસ્તારના હજારો લોકોને લાંબો ફેરો ફરીને શાળા, દવાખાના કે બજારમાં જવાની ફરજ પડે છે. રહીશોએ આ અંગે અનેકવાર પાલિકામાં રજૂઆત કરી હતી, અને ચીફ ઓફિસર દ્વારા રસ્તાઓ ખુલ્લા કરવાના આદેશ અપાયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. આખરે, રોષે ભરાયેલા લોકોએ પાલિકા કચેરીમાં ધસી જઈને ઉગ્ર રજૂઆત કરી. ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર અને કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ મકવાણા તાત્કાલિક કચેરીએ દોડી આવ્યા હતા. લોકોની રજૂઆત સાંભળીને પ્રમુખ પ્રવીણભાઈ કરકરે પાલિકાના સ્ટાફને એક દિવસમાં તમામ બ્લોક થયેલા રસ્તાઓ ખુલ્લા કરવાના આદેશ આપતા મામલો થાળે પડ્‌યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે, નગરપાલિકાની હદમાં જાહેર રસ્તાઓ બ્લોક કરવાનો કોઈને અધિકાર નથી, અને ભવિષ્યમાં આવી ફરિયાદ આવશે તો જવાબદાર લોકો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.