બાબરા શહેરમાં ગટરના ઢાંકણ ગાયબ રહેવાના અને ગટરનાં પાણી રસ્તા પર વહેતા રહેવાના મુદ્દાએ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. થોડા દિવસો પહેલા, ચમારડીના ઝાંપા પાસે ખુલ્લી ગટરમાં બે બહેનો એક્ટિવા સહિત પડી ગઈ હતી, જેમાં તેમને ઈજા પણ થઈ હતી. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. લોકોના આરોપ છે કે ખુલ્લી ગટરની આસપાસ કોઈ બેરીકેડ પણ મૂકવામાં આવતા નથી, જેના કારણે અકસ્માતોનો ભય રહે છે. આ ઉપરાંત, શહેરમાં ઘણી સ્ટ્રીટ લાઈટો બંધ છે, વારંવાર રજૂઆત કરવા છતાં કચરાપેટી તુટી ગયેલી હોવા છતાં બદલાવવામાં આવતી નથી. લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જ્યાં શાસક પક્ષના લોકો રહે છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવે છે, જ્યારે સામાન્ય લોકોની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. નવી નગરપાલિકા બન્યા પછી ‘પહેલાં અને પછી’ ના ફોટા ગ્રુપમાં મૂકીને કામગીરીનું પ્રદર્શન કરવામાં આવતું હતું, પરંતુ હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ બધી બેદરકારીથી લોકો ખૂબ જ નારાજ છે અને પાલિકા પાસેથી ઝડપથી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.