બાબરામાં ખેતરમાં મજૂરા્‌કામ કરતી ૧૬ વર્ષની સગીરાની છેડતી કરીને તેને જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવા બદલ અને જ્યારે સગીરાના પરિવારે વિરોધ કર્યો ત્યારે તેના પર હુમલો કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં સગીરાના ભાઈ અને પિતાને ઈજા પહોંચી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સગીરા જ્યારે ખેતમજૂરીના કામે જતી હતી ત્યારે આરોપી વિકમભાઇ જેઠસુરભાઇ વાળા સતત પીછો કરતો હતો. તા.૨૩/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે સગીરા ખેતરમાં હતી ત્યારે આરોપી ત્યાં પહોંચી ગયો હતો. આરોપીએ સગીરાનું કુર્તું પકડી લીધું હતું અને તેને જબરજસ્તી ગાડીમાં બેસવાનું કહ્યું હતું. સગીરાએ રાડ પાડતા તેના પિતા અને ભાઈ ત્યાં દોડી આવ્યા હતા. બંનેએ આરોપીને સમજાવવાનો પ્રયાસ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ સગીરાના ભાઈને ખભાના ભાગે ઈંટનો ઘા મારી મૂઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ બાદ ફરિયાદી આરોપીને તેની વાડીએ સમજાવવા ગયા હતા, પરંતુ આરોપીએ ત્યાં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ દરમિયાન આરોપીએ ફરિયાદીને પેટના ભાગે પાટુ માર્યું હતું અને ફરિયાદીના પતિ ભૂપતભાઈને હાથના ભાગે લાકડીનો એક ઘા મારી મૂઢ ઇજા પહોંચાડી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.