બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે ૨૬ વર્ષીય યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે ગાયો પર અમાનુષી મારઝૂડ કરી હતી. બીમાર અને અબોલ પશુઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવતા સમગ્ર ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો સામે આવ્યા બાદ શહેરમાં આ બનાવની ઉગ્ર ચર્ચા શરૂ થઈ છે. બાબરાની હરિઓમ ગૌશાળા છેલ્લા ૧૬ વર્ષથી સ્થાનિક યુવા ગ્રુપ દ્વારા સંચાલિત છે, જ્યાં અશક્ત અને વૃધ્ધ ગાયોની સેવા કરવામાં આવે છે. આ યુવા ગ્રુપ દ્વારા બીમાર અને અપંગ ગાયોની જરૂરી સારવાર પણ કરવામાં આવે છે.આ શખ્સની હરકતો કેમેરામાં કેદ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ગૌશાળાના સંચાલક ગજેન્દ્રભાઈ શેખવાએ જણાવ્યું હતું કે રામનવમીની રાત્રે આ ઘટના બની હતી જે બાબતે આવતીકાલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.






































