બાબરાના સુપ્રસિદ્ધ તીર્થધામ સ્વામિનારાયણ મંદિરના આંગણે તા.૧૫ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પુ.ભક્તિસંભવદાસજી સ્વામીના આશીર્વાદ તથા બાબરાના મહંત પુ.ધર્મવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પુ.શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી સ્વામી અને પુ.સર્વમંગલદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી સંગીતના સુમધુર સથવારે કથાનું રસપાન કરાવીને સૌ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સુરત અને અમરેલી ઉપરાંત સ્થાનિક ભક્તોએ પણ મોટી સંખ્યામાં આ કથાનો લાભ લીધો હતો. દરરોજ કથા પછી ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કથા દરમિયાન, તા.૧૬ ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પણ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ માહિતી પુ. પવિત્ર સ્વામી દ્વારા આપવામાં આવી હતી.








































