બાબરા તાલુકાના સુકવળા ગામે એક મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે, જ્યાં ગામના સરપંચ સહિત ૧૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. આ કાર્યક્રમ લાઠી-બાબરા-દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તથા અન્ય ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધારાસભ્યએ તમામ નવા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને ઉમળકાભેર આવકાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને સમગ્ર ગામમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ એ ‘વિકાસ અને વિશ્વાસ’નું પ્રતીક છે. સુકવળા ગામના સરપંચનું આ જોડાણ ગામના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ખાતરી આપી હતી કે આગામી દિવસોમાં સુકવળા સહિત સમગ્ર બાબરા તાલુકામાં નવી વિકાસલક્ષી યોજનાઓને વેગ આપવામાં આવશે.






































