બાબરા તાલુકાના શિરવાણીયા ગામે સામાન્ય બોલાચાલી બાદ પાંચ જેટલા ઈસમોએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે રણજીતભાઇ હરેશભાઇ ભડાણીયા (ઉ.વ.૧૯) એ વાલજીભાઇ સાદુળભાઇ રોજાસરા, ભુપતભાઇ સાદુળભાઇ રોજાસરા, રમેશભાઇ સાદુળભાઇ રોજાસરા, રોહીતભાઇ વાલજીભાઇ રોજાસરા તથા શંભુભાઇ ભીમજીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની વાડી-ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આરોપી વાલજીભાઈ સાદુળભાઈ રોજાસરાએ તેમને રોકીને ઝઘડો શરૂ કર્યો હતો. તેમને રોકીને પૂછ્યું કે, “તું કેમ બહુ કાતરુ મારે છે, તને બહુ પાવર છે?” આ બાબતે બોલાચાલી થતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદીને ખરાબ ગાળો આપી મુંઢમાર માર્યો હતો. જે બાદ અન્ય આરોપીએ તેમને ગાળો આપી લોખંડના પાઇપનો એક ઘા પીઠના ભાગે અને એક ઘા ડાબા હાથની કોણીના ભાગે માર્યો હતો. જે બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઉપરાંત તેમના કાકાને લોખંડના પાઇપનો એક ઘા માથામાં મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ હુમલા દરમિયાન આરોપીઓએ તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.