બાબરા પંથકમાં કેટલાક લોકો મીડિયામાં ચમકવા બાબરાથી ગોડલ હાઈવે અને ચમારડી સહિતના ગામોના રસ્તાની સ્થિતિ અંગે વિરોધ કરી રહ્યા છે તેવો દાવો શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે પક્ષના જણાવ્યા મુજબ વાસ્તવિકતા એ છે કે સરકારે આ રસ્તાઓ માટે ગ્રાન્ટ ફાળવી છે અને તેની મંજૂરી પણ મળી ગઇ છે. બાબરા પંથકમાં વિવિધ રસ્તાઓની સ્થિતિ અંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સરકારમાં રજૂઆત કરતા કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય હિંમતભાઈ દેત્રોજા, પ્રભાતભાઇ ડી. કોઠીવાળ, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી, બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર, તાલુકા ભાજપ મહામંત્રી રાજેશભાઈ વિરોજા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા વગેરેએ બાબરા પંથકના લોકોને જણાવ્યું હતું કે, બાબરા પંથકમાં રસ્તા, નાળા- પુલીયા અંગેના કામો, આરોગ્ય સબ સેન્ટરો, તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ, નગરપાલિકાના નવી બિલ્ડીંગ સહિત વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.