બાબરા તાલુકાના વાવડા ગામે એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં ગેસ લીકેજને કારણે ભીષણ વિસ્ફોટ થતાં એક મહિલા દાઝી ગઈ હતી અને ઘરના માળખાને નુકસાન પહોંચ્યું હતું. બનાવની વિગતો મુજબ, ગામના હિંમતભાઈ ખીમાણીના ઘરમાં રસોડામાં ઇન્ડિયન કંપનીનો ગેસ સિલિન્ડર હતો, જેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થતો હતો. ગત રાત્રિ દરમિયાન, ગેસ સ્ટવ કે તેની પાઇપમાંથી કોઈક કારણોસર ગેસનું લીકેજ થયું હતું. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, શોભાબેન હિંમતભાઈ ખીમાણી ચા બનાવવા માટે રસોડામાં ગયા હતા. તેમણે ગેસ ચાલુ કરીને જ્યારે આગ પ્રગટાવી, ત્યારે રસોડામાં એકઠો થયેલો લીકેજ ગેસ તેના સંપર્કમાં આવતા મોટો બ્લાસ્ટ (વિસ્ફોટ) થયો હતો. જેના કારણે શોભાબેન ખીમાણી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના બનતા જ સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.