બાબરા તાલુકાના વાંડળીયા ગામે સોમવારની સાંજે પટેલ અને ક્ષત્રિય સમાજના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું થયું હતું. થોડા દિવસો પહેલા ગામના માતાજીના માંડવામાં બાઇક ચલાવવા બાબતે થયેલી રકઝકનું પરિણામ આ મારામારીમાં પરિણમ્યુ હતું. જે તે સમયે ગ્રામજનોની સમજાવટથી મામલો શાંત થયો હતો પરંતુ અચાનક જ સોમવારની સાંજે શિયાણી પરિવાર તલવાર, લાકડી, ધોકા વડે હુમલો કરાયો હતો, જેમાં પટેલ પરિવારના હિતેશભાઈ, ભરતભાઈ, પીયુષભાઈ, વિશાલભાઈ અને ભાવિનભાઈ શિયાણી ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બાબરાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભરતભાઈ અને હિતેશભાઈને માથા અને પગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યુ છે. સામા પક્ષે ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ ચાપરાજભાઈ વાળા સહિત તેમના પરિવારના લોકો આ હુમલામાં સામેલ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાંડળીયા ગામે પોલીસ કાફલો દોડી ગયો છે અને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બાબરા પોલીસ ઈજાગ્રસ્તોની ફરિયાદ લેવા રાજકોટ પહોંચી છે.