બાબરાના વાંકીયા ગામે વીસેક દિવસ પહેલા થયેલા પ્રેમલગ્નની અદાવત રાખીને કેટલાક શખ્સોએ એક યુવક પર હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં યુવકને પગ અને હાથમાં ઇજાઓ પહોંચી હતી. આ અંગે હરેશભાઇ રમેશભાઇ ભોજાણીએ બાવચંદભાઇ મનજીભાઇ કટેશીયા, સુનિલભાઇ બાવચંદભાઇ કટેશીયા, અનિલભાઇ બાવચંદભાઇ કટેશીયા, લાલજીભાઇ રવજીભાઇ સાપરા તથા અલ્પેશભાઇ રવજીભાઇ કટેશીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, બાવચંદભાઈ કટેશીયાની દીકરીએ તેના મોટા બાપાના દીકરા સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ વાતનું મનદુઃખ રાખીને ગાળો આપી હતી અને ત્યાર બાદ પાવડાના હાથાના લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં તેને જમણા પગે તથા જમણા હાથે મૂઢ ઇજાઓ પહોંચી હતી. માર પડ્યા બાદ ફરિયાદી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અન્ય આરોપીઓ ઊભા હતા. આ શખ્સોએ તેમને રોકીને ગાળો આપી હતી અને લાકડી તથા પાઇપ લઈને મારવા દોડ્યા હતા. આ દરમિયાન એક
આરોપીએ પાઇપનો છૂટો ઘા કરતા તેમના પગે મૂઢ ઇજા પહોંચી હતી. આ શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘાયલ યુવકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રેમલગ્ન બાદ થયેલા આ હુમલાના બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.








































