બાબરા પંથકના કરિયાણા ગામની બજારમાં બનેલા મારામારી અને એટ્રોસિટી એક્ટ સંબંધિત અત્યંત ચકચારજનક કેસમાં અમરેલીના એડી. સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવે ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આરોપીઓ તરફે સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલોને અને કાયદાકીય છણાવટને કોર્ટે ધ્યાને લીધી હતી. બનાવની વિગતો મુજબ, ફરિયાદ પક્ષે હંસાબેન રસિકભાઈ રાઠોડ અને તેમના પતિ રસિકભાઈ આલાભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કરિયાણા ગામની બજારમાંથી મોટરસાયકલ પર નીકળ્યા હતા ત્યારે આરોપી ઘુઘી ઉર્ફે જયંતિભાઈ નાગજીભાઈ જાપડીયાએ રસ્તો રોકીને તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, બિભત્સ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડતાં હંસાબેનને પણ પાટુ મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને છ મહિનાનો ગર્ભ પડી જવાથી લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે અન્ય આરોપીઓ ચંદુભાઈ કડવાભાઈ જાપડીયા, નરેશભાઈ દાદાભાઈ જાપડીયા તેમજ હરેશભાઈ વાલજીભાઈ જાપડીયાએ પણ ફરિયાદી અને તેમના પતિને માર માર્યો હતો. ત્યારબાદ આ મામલે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.







































