લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઇ તળાવીયાના સઘન પ્રયાસોના ફળ સ્વરૂપે બાબરા તાલુકાના મિયા ખીજડીયા અને પાનસડા ગામને જોડતા અગત્યના માર્ગને રીસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનો ઉપયોગ કરી રહેલા પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. મિયા ખીજડીયા અને પાનસડા ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનક તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રીસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂ. ૩ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ધારાસભ્ય જનક તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. રાજ્ય સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે, તે બદલ હું મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કરું છું.