લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસોના ફળ સ્વરૂપે બાબરા તાલુકાના બળેલ પીપરીયા અને મોણપુર ગામને જોડતા અગત્યના માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨.૪૫ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. આ ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રિસર્ફેસીંગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે. ધારાસભ્ય તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. રાજ્ય સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે, તે બદલ હું મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કરું છું.”










































