બાબરાના નવાણીયા ગામે નજીવી વાતમાં કુટુંબીજનોમાં માથાકૂટ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. મનુભાઈ મુળાભાઈ મકવાણા (ઉ.વ.૪૮)એ રવજીભાઈ બોઘાભાઈ મકવાણા તથા તેમના પત્ની મીનાબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમનો પુત્ર ગામમાં જતા હતા ત્યારે તેમના કુટુંબી રવજીભાઈ તથા તેના પત્નીએ આવીને બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રવજીભાઈ બોઘાભાઈ મકવાણા (ઉ.વ.૪૪)એ મધુબેન મનુભાઈ મકવાણા તથા રમેશભાઈ મનુભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની બહાર બોલાચાલી થતી હોવાથી તેઓ ઘરની બહાર જોવા જતાં મધુબેને તેમની સાથે બોલાચાલી કરી હતી. જેથી તેમણે બોલાચાલી કરવાની ના પાડતાં સારું નહોતું લાગ્યું અને ગાળો બોલી શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તેમના પત્નીના વાળ પકડીને ઝઘડો કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ મનહરભાઈ મગનભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.