અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રીય થયા હોવાથી થોડા દિવસ પહેલા બાબરા તાલુકાના ધરાઈ ગામે બે દુકાનોમાં ચોરી તેમજ વાવડી ગામે મઢમાંથી ચોરી થઈ હોવાની બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે ગણતરીનાં દિવસોમાં જ ચોરી કરનાર બે ઈસમોને ઝડપી પાડયા હતા. બાબરા તાલુકાનાં ધરાઈ ગામે ત્રણ દિવસ પહેલા ધીરૂભાઈ રવજીભાઈ રામાણીની કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમ અને માલસામાનની ચોરી થઈ હતી તેમજ વિપુલ રમેશ સાવલીયાની ઈલેકટ્રીક દુકાનમાંથી રોકડ રકમની ચોરી અને જેન્તીભાઈ સતાણીના બે મજૂરોના બે મોબાઈલ સાથે વાવડી ગામે આવેલા રાદડીયા પરિવારના કુળદેવીના મઢમાંથી ચાંદીના છત્તરની ચોરી થઈ હતી. જેથી તસ્કરોને ઝડપવા માટે અમરેલી એલસીબીએ તપાસ શરૂ કરતાં પોલીસે બાતમીના આધારે સમરૂ જ્ઞાનસિંહ વાસ્કેલા રહે. છોટી ઉત્તઈ, મધ્યપ્રદેશ અને ઈડુ છગન બંડડીયા રહે. પહાડવા, મધ્યપ્રદેશ હાલ રહે. બંને વાંડળીયા ગામની સીમ વાળાને રોકડ રકમ, ચાંદીના છત્તર, મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂ.૩૧૭ર૭નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.