બાબરા તાલુકાના થોરખાણ – રાણપર વચ્ચેનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે રસ્તાના રીપેરીંગ બાબતે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી આ બાબતે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે ડીડીઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, આ માર્ગ વોરંટી પીરીયડમાં આવતો હોવાથી માર્ગના સમારકામ બાબતે હજુ સુધી કોઇ કામગીરી કરવામાં આવી નથી. આ રોડનો વોરંટી પીરીયડ ટૂંક સમયમાં પુરો થતો હોવાથી કોન્ટ્રાકટરની ડિપોઝીટ છુટી ન કરવી. જો છુટી કરવામાં આવશે તો તે અધિકારીઓની જવાબદારી રહેશે. તેમજ ધારાસભ્યએ વધુમાં રજૂઆત કરી છે કે, થોરખાણથી જીવાપરનો રસ્તો મંજૂર થયેલ છે પરંતુ ચાલુ કરવામાં આવેલ નથી ત્યારે ચોમાસા પહેલા આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અંતમાં રજૂઆત કરી હતી.