સુરતના કામરેજમાં આવેલા એબીસી મોલમાં સોમવારે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. મોલના ત્રીજા માળે આવેલી દુકાન નંબર ૩૧૩માંથી એક યુવાન નીચે પડી જતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ દેવાંગભાઇ બાબુભાઇ ભુવા (ઉં.વ.૩૨) તરીકે થઈ છે. તેઓ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામના રહેવાસી હતા. અગમ્ય કારણોસર તેઓ મોલની ત્રીજા માળની દુકાનમાંથી નીચે પડ્યા હતા. પડવાથી થયેલી ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.







































