બાબરા તાલુકાના તાઈવદર ગામે રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ મહિલા સાથે ઝઘડો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દયાબેન લાલજીભાઇ ગોલાણી (ઉ.વ.૩૦)એ વલ્લભભાઇ પાંચાભાઇ સોલંકી તથા જસમતભાઇ વલ્લભભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તાઈવદર ગામે રહેતી મહિલા ગત સાંજે આશરે સાડા છ વાગ્યાના સુમારે મજૂરી કામ પતાવીને ચાલીને પોતાની વાડીએ આવેલા મકાન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ વલ્લભભાઈના ઘર પાસેથી પસાર થયા ત્યારે આરોપીએ તેમને અટકાવ્યા હતા. આરોપીએ તેમને આ રસ્તે ચાલવાની મનાઈ કરી હતી અને ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. બોલાચાલી વધતા આરોપીએ તેમને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા, જેના કારણે ફરિયાદીને ડાબા હાથની આંગળી પર મુંઢ ઈજા પહોંચી હતી. તેમણે બૂમાબૂમ કરતા જસમતભાઈ સોલંકી પણ ત્યાં દોડી આવ્યા હતા. આ બંને શખ્સોએ ભેગા મળીને ફરિયાદીને બેફામ ગાળો આપી હતી. એટલું જ નહીં, વલ્લભભાઈએ પોતાની પાસે રહેલો કુહાડો બતાવી ફરિયાદીને ડરાવ્યા હતા અને જો ફરી અહીંથી નીકળશે તો ‘જાનથી મારી નાખવાની’ ધમકી આપી હતી.