બાબરાના ચમારડી-વાવડી હાઇવે રોડ પર સોમવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. અજાણ્યા વાહનચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઇકને ટક્કર મારતા આ ઘટના બની હતી.બનાવની વિગતો મુજબ, ગત તા. ૨૭/૧૦/૨૦૨૫ ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં કમલેશભાઈ સજ્જનસિંહ માવી (રહે. વાવડી) પોતાનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ (રજી. નં. ય્ત્ન-૦૪-ડ્ઢત્ન ૨૦૫૬) લઈને વાવડી ગામેથી ચમારડી ગામે હટાણું કરવા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, ચમારડી-વાવડી હાઇવે રોડ પર હનુમાનજીના મંદિર પાસે તેઓ પહોંચ્યા ત્યારે વાવડી ગામ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા કોઈ અજાણ્યા વાહનચાલકે તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કમલેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.