બાબરા તાલુકાના ઘુઘરાળા ગામમાં છેલ્લા છ મહિનાથી નર્મદા યોજના મારફતે આવતું પીવાનું પાણી ગંદું અને દુર્ગંધયુક્ત આવતું હોવાની ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગામના સરપંચ, તલાટી તથા ગ્રામ પંચાયતના સભ્યોએ અનેકવાર તાલુકા તંત્ર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ગામમાં નળ મારફતે આવતા પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાથી ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. બાળકો અને વૃદ્ધોમાં પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા છે. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક ગટર જોડાણ અને પાણી લાઇનની તપાસ કરી શુદ્ધ પાણી સપ્લાય શરૂ કરવાની માંગણી કરી છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં આવતુ મહી પરીએજ યોજનાનું પાણી ગંદકીયુક્ત આવતું હોવાથી જનઆરોગ્ય પર ખતરો ઉભો થયો છે. આ બાબતે જનપ્રતિનિધી ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરી આગળ આવે તે જરૂરી છે. મહીનું પાણી શુધ્ધ આપવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.









































