બાબરા તાલુકાના ગળકોટડી પ્રા.શાળા ખાતે ૬૬મા ધ ગ્રેમી એવોડ્‌ર્સમાં ભારતના સંગીતકારોએ એકસાથે ૭ એવોડ્‌ર્સ મેળવતા તેની ખુશાલી સાથે “સંગીત દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ પ્રસંગે પ્રાચીન તથા અર્વાચીન કુલ -૧૯ જેટલા વાદ્યોનો પરિચય મેળવ્યો હતો. જેમાં ડમરૂ, શંખ, મંજીરાં, ઝાંઝથી શરૂ કરી આધુનિક ટ્રીમબારલી, ગિટાર તથા કોંગોનો સમાવેશ થાય છે. શાળાના આચાર્ય દીપકભાઇ દવે દ્વારા આ વાદ્યોના ઉદ્‌ભવથી માંડીને તેના આધુનિક સ્વરૂપને સમજાવવામાં આવ્યું હતું. આદિકાળથી શરૂ કરી આજના આધુનિક સંગીતના સ્વરૂપને શાળાના વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંગીત પ્રત્યે રસ, રુચી જગાડવાનો તથા માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.