બાબરા તાલુકાના ગળકોટડી ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ બાતમીના આધારે દરોડો પાડીને રૂ. ૯૫.૨૯ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્‌યો છે, જેનાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગળકોટડી ગામની સીમમાં એક ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનું ઉતરાણ થયાની બાતમી જીસ્ઝ્રને મળી હતી. દરોડા દરમિયાન, પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૭,૨૬૦ દારૂની બોટલો, બે વાહનો અને સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૯૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોને ઝડપી પાડ્‌યા છે. જોકે, આ દારૂના કારોબાર સાથે સંકળાયેલા વાહન માલિક અને ડ્રાઇવર સહિત અન્ય પાંચ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં દારૂની રેલમછેલ થાય તે પહેલાં જ SMCએ આ મોટું ઓપરેશન પાર પાડીને બુટલેગરોના અરમાન પર પાણી ફેરવી દીધું છે.