બાબરા તાલુકાના ગરણી ગામમાં આજે એક ભયાનક અને રહસ્યમય ધડાકો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ શક્તિશાળી વિસ્ફોટમાં એક મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું છે, જ્યારે આસપાસના અન્ય ૪ થી ૫ મકાનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાના કોઈ ચિહ્નો મળ્યા નથી. મકાન માલિક નાગજીભાઈ ચોપડાની પૂછપરછ કરવામાં આવી હતી અને એફ.એસ.એલની મદદથી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ છે.તંત્ર દ્વારા ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જો આ ઘટના પાછળ કોઈ અકસ્માત સાબિત થશે, તો અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી યોગ્ય સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે. અચાનક થયેલા વિસ્ફોટથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે.






































