બાબરા તાલુકાના ગમા પીપળીયા અને વાવડી ગામને જોડતા માર્ગનું અંદાજિત રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડનું ખાતમુહૂર્ત લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ગુરૂવારે કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત રોડથી બંને ગામના લોકોને સુગમ પરિવહન મળશે. આ રોડના નિર્માણથી સ્થાનિક ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, તેમજ આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોને પણ સારો રસ્તો મળશે. આ રસ્તાથી ગ્રામીણ વિકાસને વેગ મળશે અને લોકોના જીવનધોરણમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કટિબદ્ધ છે અને આવા લોકઉપયોગી કાર્યો સતત હાથ ધરાશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઈ દેત્રોજા, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ મહામંત્રી રાજેશભાઈ વિરોજા સહિતના હાજર રહ્યાં હતા.