અમરેલીના બાબરા તાલુકાના ગમાપીપળીયા ગામમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ગ્રામજનો અને અધિકારીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગ્રામ પંચાયતથી પ્રાથમિક શાળા સુધી ભવ્ય ‘સરદાર યાત્રા’ કાઢવામાં આવી હતી, જેમાં દેશભક્તિના ગગનભેદી નારા ગૂંજી ઊઠ્‌યા હતા. ત્યારબાદ શાળા પરિસરમાં સ્થાપિત સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં સરપંચ, પંચાયત સભ્યો, કિસાન સંઘના તાલુકા પ્રમુખ, શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ સરદાર પટેલના આદર્શોને યાદ કરી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. અંતમાં, સૌએ ટીવીના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.