રાજકોટના અગ્નિકાંડ બાદ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા બાબરા શહેરમાં GIDC ખાનગી એકમમાં ગેસ લીકેજ અંગે મોકડ્રીલ કરવામાં આવી હતી. LPG સિલિન્ડર ફિલિંગ કરતાં સમયે વાલ્વ લીકેજના કારણે આગ લાગવાની દુર્ઘટના બની હતી, જે અંતર્ગત કંપનીના ફાયર સેફ્‌ટી સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરી આગ કાબુમાં લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આગ કંટ્રોલમાં ન આવતા કંપની દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (DEOC)ને કોલ કરી આ માટેની મદદ, જિલ્લા વહીવટી તંત્ર પાસેથી માંગવામાં આવી હતી. DEOC દ્વારા ફાયર વિભાગ, ૧૦૮ ઈમરજન્સી, પોલીસ સહિતની સંબંધિત કચેરીઓને જાણ કરી ઘટના સ્થળે રેસ્ક્યુ કરવા જણાવવામાં આવ્યું હતું.
ઘટના સ્થળે સંબંધિત કચેરીઓએ પહોંચી આગને કાબુમાં લીધી હતી, ઘાયલ હોય તેવા લોકોને સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સીની મદદથી હોસ્પિટલે મોકલવામાં આવ્યા તેવી કામગીરી કરવામાં આવી હતી અને કંપનીના ઓફિસર દ્વારા આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હતી તેમ જાહેર કરવામાં આવ્યું હતું.