બાબરા તાલુકાના ખાખરીયા ગામે લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવા બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણથી ખાખરીયા સહિત આસપાસના ગામો માટે માર્ગ જોડાણો સુગમ બનશે. અગાઉ વરસાદ પડતાં જ ગામ માટેનાં મુખ્ય માર્ગો પર અવરોધ ઊભો થતો. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આજનો દિવસ ખાખરીયા ગામ માટે ઐતિહાસિક છે. ગામના સહયોગ અને સરકારના સંકલ્પથી આવનારા સમયમાં તાલુકાના દરેક ખૂણામાં વિકાસના કામ પહોંચશે. જે વિસ્તારોમાં હજુ સુધી વિકાસનો પ્રવાહ ન પહોંચ્યો હોય, ત્યાં પણ કામગીરી પહોંચાડવા માટે તેઓ કટિબદ્ધ છે.” આ અવસરે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





































