બાબરાના ઉમિયાનગરમાં હાલમાં નવું કોમ્પ્લેક્ષ બનાવી દુકાનો ચણવામાં આવેલ હતી જે દુકાનો અને કોમ્પ્લેક્ષ ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની બાંધકામ મંજૂરી વગર ચણવામાં આવેલ છે. આ ઉપરાંત રોડ સેફટી અમરેલી બાબરા હાઇવે વચ્ચેની નિયમો મુજબ જે જગ્યા છોડવાની થતી હોય છે તે પણ છોડવામાં આવેલ નથી, આ તમામ બાબતોની રજૂઆતો ભવાનભાઈ રાતડીયા દ્વારા નગરપાલિકામાં તથા સંબંધિત વિભાગોમાં પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવેલ હતી. આમ છતાં પણ તે કોમ્પ્લેક્ષમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવેલ હતું. અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાકીદે નોટિસ આપવામાં આવેલ હતી કે તે જગ્યાએ યથાસ્થિતિ જાળવી રાખવી અને કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવું, આમ છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરી ત્યાં દરરોજ દુકાનો ચણવાની કામગીરી કરવામાં આવતી હતી. આ અંગેની ભવાનભાઈ દ્વારા કચેરીએ જાણ કરવામાં આવી હતી, જે અનુસંધાને આજે બાબરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તે કોમ્પ્લેક્ષનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની નોટિસ પાઠવેલ છે તથા દિવસ ૭માં જે દબાણ વાળું બાંધકામ છે તે હટાવવા જણાવેલ છે.