બાબરા તાલુકાના ઉંટવડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતાએ વાડીએ કામ કરી રહેલા યુવકના પિતા પર ડંકીના હાથા વડે હુમલો કરી ઈજા પહોંચાડતા આધેડે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતા પ્રવિણભાઈ ધીરૂભાઈ કાછડીયાના પુત્રએ ભીખાભાઈ વલ્લભભાઈ સાવલીયાની દીકરી સાથે પ્રેમસંબંધ હોય અને બંનેએ ભાગીને લગ્ન કરી લેતા ભીખાભાઈ આ પ્રેમલગ્નથી નારાજ હતા. આ પ્રેમલગ્નનો ખાર રાખી ભીખાભાઈએ ખેતરમાં કામ કરી રહેલા પ્રવિણભાઈ પર હુમલો કરી ડંકીના હાથા વડે માર માર્યો હતો. જેમાં પ્રવિણભાઈને જમણા પગના નળામાં અને ડાબા પગના નળામાં ઈજાઓ પહોંચી હતી. જેથી પ્રવિણભાઈએ ભીખાભાઈ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










































