ગુજરાતીમાં બે કહેવત છે. ‘બોલે તેના બોર વેચાય’, અને ‘ન બોલવામાં નવ ગુણ.’ દેખીતા આ બંને કહેવતો વિરોધાભાષી લાગે છે, પરંતુ તેમ નથી. બંને કહેવતો સમય સ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું એ આ બંને કહેવતો વચ્ચેની વિવેકબુદ્ધિ રેખા છે. જયારે બોલવાનું હોય ત્યારે બોલવું જ જોઈએ અને જયારે ન બોલવાનું હોય ત્યારે મૌન રહેવું જોઈએ, એવો સામાન્ય અર્થ બંને કહેવતોનો સંયુક્ત કરી શકાય. જ્યાં બોલવાનું હોય અને માણસ મૌન ધારણ કરી લે તો એવા સમયે મૌન એ મૂક સંમતિ માની લેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જો તમે કોઈ મુદ્દાની ચર્ચામાં ભાગ નથી લઇ રહ્યા, જ્યાં તમને સ્વાભાવિક ચર્ચાના ભાગીદાર માનવામાં આવે છે. તો બીજી કહેવતમાં તમે ફિટ બેસો છો. તમે માનો છો કે આ વાતમાં પાડવા જેવું નથી. જો તમે કોઈ મુદ્દે ચર્ચામાં ઉતરો છો તો અભ્યાસની જરૂર છે, શબ્દભંડોળ જરૂરી છે. એ મુદ્દાના સારાનરસા પાસાઓની જાણ જરૂરી છે. શબ્દભંડોળ તમને સામાન્ય મિસ્ત્રીમાંથી શિલ્પકાર બનાવી શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ચર્ચા કરતા પહેલા વ્યાખ્યાઓ વિશે સ્પષ્ટ થઇ જાઓ.
આજના સુપરફાસ્ટ સમયમાં કોઈપણ જાહેર જગ્યાએ ચર્ચામાં ઉતરતા પહેલા તમારી પાસે અભ્યાસ અને શબ્દ બંને હોવા જરૂરી છે. આજે શબ્દની ગતિએ અવાજ અને પ્રકાશની ગતિને માત આપી દીધી છે. જીવંત પ્રસારણ નામનો શબ્દ ક્રાંતિકારી અને બડો જોખમી છે. તમે દુનિયાના ખૂણે સીધા દેખાઈ સંભળાઈ રહ્યા છો ત્યારે ભાષાપ્રયોગ અગત્યની બાબત બની જાય છે. અને જયારે તમે દેશની સંસદમાં બોલવા માટે ઉભા થાઓ છો ત્યારે પૂર્વતૈયારી સવિશેષ કરવી પડે છે. તથ્યો, આધારો, ઉદાહરણો, તર્ક, મંતવ્ય તમારી ભાષાના હથિયારો હોવા જોઈએ. ત્યાં બોલાયેલા શબ્દો રેકર્ડ પર જાય છે, સો વર્ષ બાદ પણ ખોદી કાઢીને તમારી તરફેણ કે વિરુદ્ધમાં વાપરી શકાય છે. જેમ હાલમાં જયારે વકફ બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે લાલુ યાદવના શબ્દો ટાંકવામાં આવ્યા હતા, એ ઉદ્બોધનમાં લાલુ યાદવે આવો કડક કાયદો ઘડવાની ભલામણ કરી હતી, કહ્યું હતું કે ખાનગી અને સરકારી જમીનો હડપ કરવામાં આવી રહી છે. આજે લાલુ યાદવ હયાત છે પણ પાર્ટી પુત્ર ચલાવી રહ્યો છે અને એનું વલણ એ સમયના લાલુ યાદવના વિધાન અને માંગથી વિરુદ્ધનું છે. બીજા એક ઉદાહરણમાં કોંગ્રેસના સાંસદ દિગ્વિજયસિંહ દ્વારા ૨૬/૧૧ મુદ્દે પોતાનું નામ લઈને આરએસએસ અંગેના પોતાના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. જે તે સમયે દિગ્વિજયસિંહ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે ૨૬/૧૧ના હુમલામાં આરએસએસનો હાથ હતો. નિવેદન ખુબ જુનું હતું પણ આજે સંસદમાં ગુંજી ગયું. ગૃહમંત્રી દ્વારા વળતી ચેલેન્જ આવી કે જો એમને વાંધો ન હોય તો આજે પણ પોતાનું માઈક ચાલુ કરીને એ નિવેદન નથી કર્યું એમ કહી દે. તમારો ભૂતકાળ શબ્દ દ્વારા પણ તમારો પીછો કરે છે.
એક ચર્ચા આજે જોરશોરથી ચાલી રહી છે કે જે પક્ષની ગઠબંધન સરકારે ૨૦૧૩માં આ બિલ કોઈ લાંબી ચર્ચા વિના જ સંસદમાં મંજૂર કરાવ્યું હતું એ જ બિલ આજે રીવર્સ થઇ રહ્યું હતું ત્યારે પક્ષના નેતા બિલની વિરુદ્ધની ચર્ચામાં ભાગ નહોતા લઇ રહ્યા. વિપક્ષમાંથી ઘણા સાંસદો બોલ્યા અને જોરશોરથી પોતાનો પક્ષ રાખ્યો, પણ મુખી જ ગેરહાજર હતા. ભલે તમે બોલવાના ન હો, તો સાંભળવા પણ હાજર રહી શકતા હતા. છેક મતદાન સમયે ગૃહમાં આવીને ગુપચુપ મતદાન કરી જવાનો શું મતલબ છે ?. જો કે બિલ પર લગભગ તેર ચૌદ કલાક ચર્ચા ચાલી હતી. વધુ કરુણ બાબત તો એ છે કે કોંગ્રેસના જ નેતા અને ગાંધી પરિવારના એક સદસ્ય તો વિરુદ્ધનો વોટ આપવા પણ નહોતા આવ્યા. જે બિલને તમારી સરકારે પાસ કર્યું હતું એ બિલમાં સુધારા થઇ રહ્યા હતા, તમારો ભૂતકાળનો નિર્ણય પલટાવી નાખવામાં આવી રહ્યો હતો, ત્યારે ભૂતકાળના તમારા નિર્ણયના સમર્થનમાં બોલવું શું તમારી ફરજ નહોતી ? તમારી ગેરહાજરી શું એ સૂચવે છે કે સંશોધન બિલ રદ્દ થવામાં તમારી સંમતિ છે ? જો સંમતિ ન હોય તો એ સ્પષ્ટ થાય છે કે જુનું બિલ માત્ર અને માત્ર તૃષ્ટિકરણનો એજન્ડા પાર પાડવા માટે અને ચંદ ઠેકેદાર મુસ્લિમ આગેવાનોને સાચવવા માટે જ પસાર કરવામાં આવ્યું હતું. દેશના ગરીબ મુસ્લિમોનું એમાં કોઈ હિત નહોતું. જેમ બોલવાથી જવાબદારી ઉભી થઇ જાય છે, તેમ નહિ બોલવાથી પણ જવાબદારી ઉભી થઇ શકે છે. રાહુલ ગાંધીના આવી મહત્વની ચર્ચા વખતે હાજર નહિ રહેવા અને નહિ બોલવા અંગે સવાલો થવા વાજબી છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે એમનો પક્ષ જ એમને બોલવા દેવા નથી માંગતો.
૨૦૧૩માં પાસ કરવામાં આવેલ બિલના અમુક પ્રાવધાન અસંવૈધાનિક હતા, જે આ સંશોધનમાં દૂર કરવામાં આવ્યા છે. જે અનુસાર બોર્ડના નિર્ણયથી ઉભા થતા કોઈપણ વિવાદને માત્ર બોર્ડની ટ્રીબ્યુનલમાં જ પડકારી શકાતો હતો. દેશના ન્યાયતંત્રમાં નહિ. અપીલની જોગવાઈ જ નહોતી. સંવિધાનના સ્પીરીટથી ઉપર કોઈ કાયદો હોઈ શકે નહિ. દેશનો દરેક કાયદો દેશના સંવિધાનને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવે છે. અને તેનું અર્થઘટન પણ સંવિધાનની નિશ્રામાં કરવામાં આવે છે. કોઈ કાયદો આ પરિઘમાંથી બહાર ફેંકવો એટલે જ બંધારણની અવમાનના. જો તમને બંધારણનો વિશેષ અભ્યાસ છે, તો આ બંધારણીય મુદ્દો જ હતો.
ક્વિક નોટ — ‘મહાત્મા ગાંધીજીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડાઈ લડી હતી, આદરણીય અમારા નેતા રાહુલ ગાંધીજીએ વેસ્ટ ઇન્ડિયા સામે લડાઈ લડવાની છે.’ == અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસનું પશ્ચિમી રાજ્યો સામે લડવાનું એલાન production@infiniumpharmachem.com













































