બાબરા તાલુકાના આંબરડી ગામે વીજ કરંટ લાગવાને કારણે ઊંટડીનું કરુણ મોત નીપજ્યું હતું. ખેતરના શેઢે આવેલા ઇલેક્ટ્રિક ટીસી (્ઝ્ર) માંથી કરંટ લાગતા એક ગાભણ ઊંટડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, આંબરડી ગામના પશુપાલક ભીમાભાઇ સંગાભાઇ મોરીનું ઊંટ (માદા) અને તેમના કુટુંબી ભાઈઓના ઊંટ ગામના જ નરેન્દ્રભાઈ સભાયાની વાડીમાં ચરી રહ્યા હતા. ચરતી વખતે ઊંટડી ખેતરના શેઢે આવેલા વીજ ટીસી પાસે પહોંચી હતી. ટીસી પર ચડેલો ગળાનો વેલો ખાવા જતાં ઊંટડીને વીજ લાઈનમાંથી જોરદાર કરંટ લાગ્યો હતો. જેમાં ૧૨ વર્ષની ઊંટડીનું મોત નીપજ્યું હતું. પશુપાલકના જણાવ્યા અનુસાર, આ ઊંટડી આશરે છ મહિનાના ગાભણ ગાળામાં હતી.









































