બાબરા તાલુકાના અમરાપરા ગામે આજે વહેલી સવારે ગેસ લીકેજના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે. રસોડામાં લાઈટની સ્વીચ ચાલુ કરતા જ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. અમરાપરા ગામમાં રહેતા નારણભાઇ જેઠાભાઇ ધોળકીયા (ઉ.વ.૫૬) સવારે આશરે પોણા છ વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોડામાં ગયા હતા. રસોડામાં અંધારું હોવાથી તેમણે જેવી લાઈટની સ્વીચ ચાલુ કરી, કે તરત જ ત્યાં પહેલેથી લીક થઈ રહેલા
એચ.પી. કંપનીના ગેસના બાટલામાં અકસ્માતે આગની જ્વાળાઓ સાથે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં ગેસની જ્વાળાઓની લપેટમાં આવી જવાથી તેમને બંને પગના પંજા (પોચા) પર, ડાબા હાથના પંજા પર, પેટના ભાગે ઈજા પહોંચી હતી.ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.જી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































