બાબરા તાલુકાના અમરાપરા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા શખ્સો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧૬,૭૫,૭૮૦/- ની મત્તા ચોરી કરી નાસી છૂટતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે રવીભાઇ વીનોદભાઇ રાજપોપટ (ઉ.વ.૩૫) એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આ ચોરી તા. ૦૯/૦૪/૨૦૨૬ ના સાંજના ૬ વાગ્યાથી તા. ૧૧/૦૪/૨૦૨૬ ના રાત્રિના સાડા નવ વાગ્યાના સમયગાળા દરમિયાન થઈ હતી. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા શખ્સે ઘરના પાછળના ભાગે આવેલી બારીનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ બારીમાંથી હાથ નાખી અંદરથી બંધ કરેલા લાકડાના દરવાજાની સ્ટોપર ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટના દરવાજા તોડી નાખ્યા હતા અને અંદરના ખાનામાં રાખેલા કિંમતી ઘરેણાં પર હાથ સાફ કર્યો હતો. સોનાના વિવિધ દાગીના, ચાંદીની ઝાંઝરી અને રોકડ રકમઃ રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૬,૭૫,૭૮૦/- ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી શોધખોળ શરૂ કરી હતી.









































