‘ આને જો નયનને રોશનીની મમ્મીએ જોયો છે અને ગમી ગયો છે. આ વાત કરીશને તો ગામ આખામાં વાત વહેતી કરી મૂકશે. એટલે હમણાં એને કહેવું નથી.’
“ કાકી..!! શું વિચારે ચડી ગયાં..? જો તમે મને નહીં કહો ને તો મારાં કાકા તો જરૂર કહેશે. અને જો વાત વધારે આગળ વધી જાય તો પછી કે’તા નય કે મનસુખો બોલ્યો નહોતો.”
“કાકા..! તમારાં ઘરમાં ખીચડી રંધાઈ રહી છે. તમને ખબર છે..?”
“હોય વળી..! હમણાં તો સેવ- ટમેટાનું શાક બનાવવાની વાત થયેલી. અને આમ અચાનક શું થયું..?”
મોતીભાઈ અજાણતા જ બોલ્યાં.
“ અરે.. કાકા..! તમે સાવ ભોળા જ રહયાં.
હું એ ખીચડીની વાત નથી કરતો..?”
“ તો વળી બીજી ખીચડી કેવી આવે..?
મે તો ક્યારે’ય ભાળી નથી.”
“ કાકા.. કાકા..! એમ નહીં..!! તમારાં ઘરમાં કોઈક વાત રંધાઈ રહી છે. તમને વાસ આવે છે..?”
“ નયનનાં બા…. આ. અહીં આવો તો. આ મનસુખો શું કહે છે..?”
“ હવે તમે ય તે શું..! એની વાતમાં આવી ગયાં..!? એને તો ટેવ જ છે. સોયનું સાંબેલું કરવાની.”
દીપમાલાએ મનસુખો ના જૂએ એ રીતે મોતીભાઈ સામે આંખ મિચકારી.
કદાચ..! જીવનમાં પે ‘લી વાર દીપમાલાએ મોતીભાઈને આંખ મારી.
દીપમાલા શરમનો શેરડો ઓઢીને બે હાથથી ચહેરો ઢાંકી એ રસોડામાં દોડી ગયાં.
તો મોતીભાઈને પણ..! નાનપણનાં દિવસોની યાદ આવી ગઈ.
‘ ગામડાં ગામનું પાદર.., પાદરમાંથી હાલતાં છેવાડે તળાવ.., તળાવને કાંઠે પનીહારીની લાઈન.., અને તળાવની પાળ પાસે નિશાળ.
નિશાળમાં રજા પડે. અને સૌ ઉપડે તળાવનાં કાંઠે.. પીપળાનાં ઝાડે..
છોકરા – છોકરીઓ ભેગાં જ હોય.
પીપળાનાં થડ પાછળથી કોઈ છોકરી આંખ મિચકારે અને સૌ હસી હસીને લોથપોથ થઈ જાય.’
“કાકા..! તમેય શું વિચારે ચડયાં..?”
“નાના એ તો.., એ તો..! પણ.. તું શા કામે આવ્યો તો ઈ વાત કરને..!”
“કાકા હવે તમે હદ કરો છો હોં. આખી રામાયણ વંચાઈ ગઈ અને હવે તમે કહો છો કે.. સીતાનું હરણ તો થયું. પણ..? હરણમાંથી સીતા કેમ ના થઈ..!??”
મોતીભાઈએ વાતને આડે પાટે ચડાવી.
“ હેં.. મનસુખા..! ઓલ્યો તારા નાના ભાઈ ધનસુખનાં શું સમાચાર છે..? ઈ કાંઈ પૈસા બૈસા મોકલે છે કે નહીં..? કે પછી મોટા શે’રમાં રહીને શે’ર જેવો જ થઈ ગયો છે..?”
“ ધનસુખની તો કાકા શું વાત કરું..? ઈ તો બાપાએ ખખડાવ્યો અને ગયો ‘ઈ ગયો. પાછું વળીને જોયું નથી. હા.. ક્યારે’ક ક્યારે’ક ફોન આવે છે. કોઈ મોટી કંપનીમાં કામ કરે છે. બાપાની બીકથી એ આવતો નથી. અને કંઈ મોકલતો’ય નથી. બાકી સીતારામ..!”
ડેલી ખખડવાનાં અવાજે સૌનું ધ્યાન એ તરફ ખેંચાયું.
“ લે. આવી ગયો તારો ભાઈ નયન. હવે એને જ પુછી લે.”
મોતીભાઈએ નયન તરફ ઈશારો કરતાં કહ્યું.
“ અરે મનસુખા..! કંઈ કામથી આવ્યો તો..?
બોલને શું હતું..??”
***
રોશનીનો આજનો આખો દિવસ બોજ બનીને રહી ગયો. વારે વારે એ નયનમાં મન પરોવવાનું વિચારે. પણ.. સંજોગો એમને સાથ ન આપે. ભાઈએ આજે પણ મોટો બખેડો ઊભો કર્યો હતો. સવારથી મમ્મી સાથે પૈસાની માથાકૂટ ચાલતી હતી. ઓછા પૈસા લેવા એ તૈયાર નહોતો અને મમ્મી વધારે પૈસા આપવા તૈયાર નહોતી.
આખરે કેટ – કેટલાં પૈસા દારૂમાં નાંખવા.
‘માણસ દારૂ નથી પીતો. સરવાળે દારૂ જ માણસને પી જાય છે.’ પણ આવડી અમથી નાનકડી વાત કોઈનાં મગજમાં ઉતરતી નથી.
નયને આજે મારાં માટે શું શું વિચાર્યું હશે..?
કંઈ કેટલી’ય વાતોનાં ઘોડા ઘડયાં હશે. બિચારાને અણીના સમયે જ નિરાશ કર્યો.
પણ બીજું કરૂં’ય શું..? આવી પરિસ્થિતિમાં હું કોલેજમાં જાઉં કેમ..!? મમ્મીની હાલત કેવી કફોડી થાય..!
પપ્પાને તો આવી કંઈ પડી નથી. એ તો પોતાનાં ધંધામાં મશગુલ હોય. ઘરની જવાબદારી મમ્મીની. પણ.. મમ્મી કેટલું સહન કરે..!? અને ભાઈ બગડયો અને દારૂનાં ખોટા રવાડે ચડયો. એમાં પપ્પા કંઈ ઓછાં જવાબદાર નથી.
બાપ – દીકરાની જીદમાં ત્રણ જિંદગી ફના થઈ ગઈ.
કોઈનાં હાથમાં કશું જ ના આવ્યું.
છતાંય કેટલાક મા-બાપ કેમ નહીં સમજતાં હોય..!? પોતાનાં છોકરા છોકરીને અણસમજુ કેમ ગણતાં હશે..? શા માટે એમનાં જીવનનો નિર્ણય એના હાથે નહીં લેવા દેતા હોય..? વિધાતાએ આવું લખ્યું નથી. આવી સમજ એમને આવી જતી હશે..?? કે પછી…!!
રૂમમાં પડેલાં મોબાઇલની રીંગ વાગી. અને રોશનીએ એ તરફ દોટ મૂકી.‘કોનો ફોન હશે..? નયનનો હશે..? પપ્પાને ખબર પડી ગઈ હોય અને એનો ફોન હશે..??’
(ક્રમશઃ)