પાટીદાર સમાજમાં હવે ક્રાંતિની જરૂર છે, યુવા ધન આડા પાટે ચઢ્યો છે. તાજેતરમાં સુરતના એક મહિલા પીએસઆઈએ પાટીદાર સમાજના યુવાઓને ટકોર કર્યા બાદ હવે ભાજપન ા નેતા અને પાટીદાર સમાજના અગ્રણી ગોરધન ઝડફિયાએ સમાજના યુવાઓને ટકોર કરી છે.
મહેસાણાના કડી ખાતે ચુંવાળ ૭૨ કડવા પાટીદાર સમાજના સમુહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાભ્ય હાર્દિક પટેલ, સાંસદ હરિભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચુંવાળ ૭૨ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં ગોરધન ઝડફીયાએ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને ટકોર કરી હતી.
તેમણે કહ્યું કે, બાપદાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા, પેટ માટે જરૂર પડે તો જ વેચજા. ૨૧ મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખીઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે, એનું શું પરિણામ આવે છે.
આમ, સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનની હાજરીમાં ગોરધન ઝડફિયાએ આવા સૂચન કર્યા હતા. તેમણે આગળ કહ્યું કે, સમાજમાં પરિવર્તન ના લાવી શક્તા હોય તો કોઈ હોદ્દા ઉપર રહેવાની આગેવાનને જરૂર નથી. પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપતિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. સંસ્કાર વિનાની તો રાવણ જાડે સોનાની લંકા હતી, પણ તે સુખી નહોતો. પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે. આપણા વડવાઓએ સંપતિ નહીં પણ સંસ્કાર આપ્યા હતા તેની આ ઓળખ છે. ગામડાઓમાં ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિ નું નિર્માણ થયું છે. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે.