ઇશ્ક, આગ અને અપહરણ…
બાદશાહે ત્રણેયની પીઠ ઠપકારી…. “આપણું મિશન એકદમ સકસેસ. હવે ચાલો, આગળ શું કરવાનું છે એ બાજુમાં જઇને અમલ કરીએ…” બાદશાહે ડગલું ભર્યું કે હકો બોલ્યો: “આનું શું કરવાનું છે બોસ ?” એણે ચમન તરફ ઇશારો કરીને પૂછયું કે, બાદશાહે કહ્યું: “અત્યારે એને ખુરશી સાથે બાંધી દો અને ખુરશી થાંભલી સાથે બાંધી દો. એક જણો અહીંયા જ રહેશે. અને હા, બકરો કરોડનો છે તો એને માટે ખાવા પીવાનું લઇ આવો…”
“મારે ખાવું નથી, પ્લીઝ મને મારો મોબાઇલ આપો. મારે મારી પત્ની અને દીકરા સાથે વાત કરવી છે.. પ્લીઝ…” મને એકવાર વાત કરાવો, પ્લીઝ એ લોકો ચિંતા કરતા હશે.”
“ચિંતા તો કરે જ ને ડોબા ?” બાદશાહ પાછો વળ્યો અને ચમનશેઠની લગોલગ થઇ જતા અટ્ટહાસ્ય કરીને બોલ્યો: “ કરોડોનો બકરો છો તું ! અમારે તો ખાલી દરિયાનું એક ટીપું જ જોઇએ છે. એક ટીપું મળી જાય એટલે તું છુટ્ટો. બાકી તારે વાત કરવાની કોઇ જરૂર નથી. જે કંઇ વાત કરવાની છે એ અમે કરી લઈશું. તું ચૂપ થઇ જા.” ચમનના લમણે રિવોલ્વરનું નાળચું દબાવતા બાદશાહે દારૂ પીધેલી આંખો ચકળવકળ ફેરવતા કહ્યું: “શાંતિથી પડયો રહેજે. જરાય જેટલી જો ચાલાકી કરી તો તને ફૂંકી મારીશ. સમજ્યો ?” “ના… ના… મારે કોઇ ચાલાકી નથી કરવી.” ચમન બે હાથ જોડીને રડી પડયો. “ઠીક છે..” કરતો બાદશાહ બહાર નીકળ્યો. થોડીવારમાં બેટરી પાઉંભાજી લઇ આવ્યો. એક ડીસમાં લઇને તે ઓરડીમાં ગયો ત્યારે ચમન રડતો હતો. તેના શરીરને ખુરશી સાથે બાંધ્યું હતું અને ખુરશી ઓરડીની વચ્ચો-વચ્ચ રહેલી થાંભલી સાથે બાંધી હતી. હાથ અત્યારે ખુલ્લા રાખ્યા હતા. “શેઠ… ખાઇ લે…” જે છે એ આ મળશે બાકી ભૂખ્યો થઇશ તો કશું નહી મળે.” બેટરીએ તેના હાથમાં પાઉંભાજીની ડીસ પકડાવી…
—-
વરસાદ ધોધમાર પડી રહ્યો હતો અને પતિદેવ ઘરે આવ્યો નહોતો. રોજના આવવાના સમય ઉપર અડધી પોણી કલાક વીતી ગઇ હતી. સુજાતા વિચારી રહી હતી કયાં ગયા હશે ? તેણે ચમનનાં ફોન ઉપર છેલ્લે ફોન કર્યો હતો ત્યારે કહ્યું હતું કે “વરસાદ ચડયો છે. વહેલાસર ઘર ભેગા થઇ જજા” અને જવાબમાં રોમાંસપ્રિય પતિ ચમને કહ્યું હતું: “હા, વ્હાલી, આજે બસ તું અને વરસાદ ! મારે બીજું કશું જ ના જોઇએ…” પ્રતિભાવમાં સુજાતાને ગુસ્સો આવ્યો હતો,“ તમને એની સિવાય કોઇ વાત કરતા આવડે છે ?” અને એણે ફોન મૂકી દીધો હતો. સુજાતાએ ફરી નંબર ડાયલ કર્યો પણ સ્વિચ ઓફ બતાવતો હતો. સુજાતા બેઠકખંડમાં આવી કેયુરને કહ્યું: “બેટા… જાને, તારા પપ્પા હજી નથી આવ્યા. વરસાદ ચાલુ છે તારા પપ્પા કયાંય અટવાઇ નથી ગયા ને ! તું તારૂ બાઇક લઇને દુકાન બાજુ આંટો મારન. કંઇક હશે, નહીંતર આટલું બધુ મોડું થાય નહીં. ”
પરંતુ ટીવી ઉપર આવતા કોઇ પિકચરમાં આખે આખા ડૂબી ગયેલા કેયુરે લાપરવાહીથી જવાબ દીધો : “મમ્મ, તું ખોટી ચિંતા કરે છે. એ આવતા જ હશે..”
“અરે પણ એનો ફોન બંધ છે.” સુજાતાના ચહેરા ઉપર ગુસ્સો ફરી વળ્યો: “ તું તપાસ તો કર.” “ના મમ્મી… હું કયાંય જવાનો નથી એમને જયારે આવવું હોય ત્યારે આવે.” રિમોટ હાથમાં લેતો કેયુર ઊભો થયો સુજાતા પાસે આવ્યો અને ગુસ્સાથી બોલ્યો: “ તને ખબર છે ને મમ્મી ? મેં એમને સવારે જ કહ્યું હતું ને કે તમે મોટી ગાડી લઇને જાવ. જા વરસાદ શરૂ થયો ને, તો પલળી જશો પણ કોઇનું માને તોને ?
“ હવે મારે જવું નથી સમજી ? ” દીકરો લાપરવાહ હતો એને પડી નહોતી. સુજાતા નિરાશ થઇ સોફા ઉપર બેસી પડી. અનાયાસ તેની નજર સામે ટિંગાતી પોતાની મોટી બહેનની તસવીર પર પડી જાણે કહેતી હોય કે “રહેવા દે… એ નહીં માને !” સુજાતાની આંખોમાં પોતાની મૃત મોટી બહેનની યાદમાં ભીનાશ છવાઇ ગઇ. સવા વરસનાં કેયુરને મૂકીને એ જતી રહી હતી કોઇ કહે કે આત્મહત્યા કરી, કોઇ કહે કે ચમને સળગાવી દીધી. હકિકતમાં શું હશે એ તો રામ જાણે પણ ચમન સગાઇ સુધી દીદીને મળવા આવતો ત્યારે મોંઘામાં મોંઘી અમૂલ્ય ભેટ સોગાદ લાવતો. દીદીને એક એમનું નામ ન ગમતું બાકી તો એ હિન્દી પિકચરના હીરો જેવો લાગતો. ઇન્દુને કહેતો: તારે ચમનને બદલે ચંદ્રેશ કહેવું. પણ ચમનને એક મોટી કુટેવ હતી ઇન્દુને મળવા આવતો ત્યારે કલાકોના કલાકો બારણા બંધ કરીને બેસતો એ મા – બાપને ન ગમતું પણ પૈસાદાર છોકરો હતો અને આમ પણ ચમનનું વ્યક્તિ એવું હતું. જથ્થાબંધ વાળ, સ્હેજ માંજરી આંખો, સપ્રમાણ શરીર, કિલનશેવ ચહેરો અને ગુલાબી ઝાંય પડતી સ્કીન ! કયારેક સૂજાતા પણ પોતાના ભાવિ પતિની કલ્પના બનેવી ચમન સાથે કરવા માંડતી. ચમન તેની વાગ્દતા ઇન્દુને મળવા આવતો એ સુજાતાને ગમતું. ચમન ઇન્દુને મળવા આવતો અને બારણા બંધ કરીને બેસતો પછી ઇન્દુ શરમની મારી બહારે ય ન નીકળતી અને અચાનક લગ્નના અઢી વરસ પછી કારમા સમાચાર મળ્યા કે… પ્રાયમસની જાળ ઇન્દુની સાડીને લાગી અને આગમાં ભરખાઇ ગઇ. સવા વરસનું ભાણેજરૂ… સાવકી માનો પડછાયો પડે ને ભાણેજરૂ ભરખાઇ જશે એ વિચારે ચમનના નિવેદન ઉપર ભરોસો રાખીને ચમનના સાસરિયાઓએ કોઇ કાર્યવાહી ન કરી અને ઉલટાની તેની બીજી દીકરી પણ તેને જ આપી. ઉંમરમાં આઠેક વરસનો તફાવત હતો પણ એ તફાવત જ રહ્યો.
એલ.એલ.બી.નું ત્રીજું વર્ષ અધૂરૂં છોડીને એ ચમનને પરણીને આ ઘરમાં આવી ગઇ. સ્વપ્નશીલ સુજાતાને બીજવર સાથે પરણવું પડયું. વિચારોમાં કેટલીયે ક્ષણો સરકીને વહી ગઇ તેનો તેને ખ્યાલ જ ન આવ્યો. વીજળીનો એક જબરજસ્ત કડાકો થયો અને એ વર્તમાનમાં પછડાઇ. કેયુર હજી ટીવીમાં ડૂબાડૂબ હતો એને ગુસ્સો ચડયો. એ ચીસ જેવા અવાજે બોલી ઃ “ કેયુર, ટીવી બંધ કર અને મોટી ગાડી લઇને મારી સાથે ચાલ…”
“બે મિનિટ મમ્મી…. પિકચર હવે પૂરૂં થવામાં જ છે…”
“ઉફફ… આ છોકરો…” કરતી તે રૂમમાં ગઇ ત્યાં જ એનો ફોન રણક્યો. જાયું તો પતિનો ફોન જ હતો.. “હલ્લો…. તમે ??” “ એ અમારી પાસે છે..” પતિના બદલે કોઇ અજાણ્યો કરડાકી ભર્યો અવાજ સંભળાયો ઃ “ શાંતિથી સાંભળ બાઇ,…” સામે છેડેથી આગળ સંભળાયું ઃ “ અમરેલી શહેરનો એકમાત્ર કરોડપતિ વેપારી… ઉર્ફે ચમનલાલ ઉર્ફે તારો…. સોરી, આપનો પતિ… અમારા કબજામાં છે. તેના ઘરે આવવાના સમયે તેને અમે ઉઠાવી લીધો છે અને જમવાનો સમય સાચવી લીધો છે એટલે એ ટેન્શન ના લેતી. ટેન્શન તારે કરોડ રૂપિયાનું જ ખાલી લેવાનું છે. પોલીસને જાણ કરવાની નથી. નહીંતર ચમન શેઠને ચિતા ઉપર ચડાવવા માટે માત્ર લાશ મળશે. તમારૂં, મારૂં, તમારા દીકરાનું અને આપના પતિનું ભલુ ઇચ્છતા હો તો એક કરોડ રૂપિયા…ની વ્યવસ્થા કરો. હું તમને કલાક પછી ફોન કરૂ છું.” ફોન કપાઇ ગયો.
સુજાતા પગથી માથા લગી ધ્રુજી ગઇ. કરોડ રૂપિયા ? શું કરવું ? લાખ – બે લાખ હોય તો ’ય ઠીક છે પણ કરોડ રૂપિયા ? એટલા બધા પૈસા ? હા, દુકાનના ભોંયરામાં પતિએ થોડી ઘણી રકમ સંતાડી હોય. સંતાડયા હોય સોનાના થોડાં બિસ્કીટ ! પણ કરોડ રૂપિયા ?… સિકકાની બીજી બાજુ પણ તેણે વિચારી. મનમાં વિજળી ’ક ગતિએ એક સ્પાર્ક થયો. ત્યાં જ ટીવી જાતો જાતો કેયુર અંદર આવ્યો. એણે કેયુરની આંખોમાં જાયું. માસૂમ ચહેરો અને નિર્દોષ આંખો ! “મમ્મી.. તું શું કરે છે ? આવીને એ સુજાતાની અડોઅડ બેસી ગયો ઃ આપણે પપ્પાને લેવા નથી જવાનું ?”
“ના…ના… પપ્પાનો ફોન આવી ગયો. એ બહાર ગયા છે તું જમી લે. તેઓ મોડાં આવશે !” એ અબૂધ શા કેયુરને તાકી રહી. “પણ આ રીતે તો કોઇ દિવસ જતા નથી. મમ્મી.” કેયુરને મનમાં ને મનમાં પ્રશ્ન થયો: “મમ્મી, એ કયાં ગયા છે ?.” “એમના કોઇ ભાઇબંધો જાડે ગયા છે. તું જમી લે.. હું તારા પપ્પા આવે પછી જમીશ.” મનમાં ને મનમાં કોઇ વાતની ગાંઠ વાળતી હોય એમ સુજાતાએ કહ્યું.
“ઓ કે મમ્મી, અમથોય હું ક્રિકેટ રમીને થાક્યો છું. જમીને મારા રૂમમાં સૂઇ જાઉ છું.” કરતો કેયુર ગયો. કલાક પછી ફોન આવ્યો ઃ “પૈસાની વ્યવસ્થા થઇ ગઇ ? ” જવાબમાં સુજાતાએ ઠંડે કલેજે કહ્યું ઃ “ કાંકરા ભેગા કરવાના છે ? તે તમે કહો એટલે કલાકમાં વ્યવસ્થા થઇ જાય ? જુઓ મારી પાસે પચાસ હજાર પડયા છે. તમે એક કરોડનું કહો છો. ઘરમાં, દુકાનમાં કે બેન્કમાં આટલા બધા પૈસા અમારી પાસે છે કે નહી એ મનેય ખબર નથી. સમજ્યા ? કરોડ રૂપિયા માગો છો પણ કલાકમાં કરોડ કયાંથી ભેગા કરૂં ? પચાસ હજારેય ખાંખાખોળા કરીને ભેગા કર્યા. પોઇન્ટ ટુ, કે કરોડ ભેગા કરવા માટે મારે મારા તમામ સગા-વ્હાલાને કહેવું પડે. મારા પતિના મિત્રો, ફ્રેન્ડ સર્કલમાંય વાત કરવી પડે. ત્યારે સામેવાળો એનું વજુદ પૂછે કે તમારે અડધી રાત્રે કરોડ રૂપિયાની શી જરૂર પડી ? અને મને કોણ ઓળખે ? જેમને પૂછું એ લોકો મારા પતિ સાથે જ વાત કરવા માંગે પણ મારો પતિ તો મારી પાસે છે નહીં. એને ફોન કોન્ફરન્સમાં સાથે રાખી વાત કરાવવી પડે અને મારા પતિ એને એમ કહે કે મારૂં કોઇએ અપહરણ કર્યું છે એટલે મંગાવું છું. તમે વિચારો મારે શું કરવું ?” સુજાતાના સોર્ટ આઉટ કરેલા બે પ્રશ્નોના જવાબ તો બાદશાહ પાસે પણ નહોતા (ક્રમશઃ)