મોટાભાગે બાગાયતી પાકો બીજ અથવા વાનસ્પતિક પદ્ધતિથી છોડ બનાવતા હોય છે. જુદા જુદા બીજના સંગ્રહ સમય સાથે સ્ફુરણ શકિતનો ઘનિષ્ઠ સંબધ છે. સંગ્રહનો સમય જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સ્ફુરણ શકિત ઘટતી જાય છે એવો સામાન્ય નિયમ છે. ઘણાખરા બીજ બાર માસ બાદ પોતાની સ્ફુરણ શકિત ગુમાવતાં હોય છે. તેથી જ આપણે તાજા જ બાગાયતી પાકોના બીજનો આગ્રહ રાખતા હોઈએ છીએ. તે જ પ્રમાણે બીજનો યોગ્ય સંગ્રહ ન થયો હોય તો પણ તેની સ્ફુરણ શકિત નાશ પામે છે. ભેજવાળી અને ઉંચા ઉષ્ણતામાનવાળી જગ્યાએ બીજને સંગ્રહવાથી તેની સ્ફુરણ શકિત ઘટે છે. તેથી જ બીજને સુકી અને ઠંડી જગ્યાએ મૂકી રાખવા જાઈએ. ભેજવાળી જગ્યાએ બીજને ભેજ લાગવાથી તેની અંદર સ્ફુરણ શકિત થવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, પરિણામે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બને છે. હવાની અવરજવર પુરતી ન હોય તો ઓકિસજનના અભાવે બીજ તરત જ સડવા લાગે છે અને નકામુ બની જાય છે.
સ્ફુરણ શકિત એટલે શું?
સ્ફુરણ શકિત એટલે કે બીજને અનુકૂળ પર્યાવરણ મળતાં તે ઉગી નીકળે તો તેનામાં સ્ફુરણ શકિત છે એમ કહેવાય. ટૂંકમાં સ્ફુરણ શકિત એટલે ઉગવાની શકિત.બીજને પાણીમાં નાખતા તળીયે બેસી જાય તો તે બીજ સારુ ગણાય અને ઉપર તરે તે નબળું છે એવી ગણતરી બાંધી શકાય. આમ આ રીતોથી સ્ફુરણ શકિત વિશે ફકત સામાન્ય અંદાજ આપી શકાય. વળી આવી રીતો બધાં જ બીજ માટે સરખી રીતે ઉપયોગ પણ થતી નથી. સ્ફુરણ શકિતનો સાચો અંદાજ મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ જ અનુસરવી પડે.
સ્ફુરણ શકિત તપાસવાનો પ્રયોગ એક કાચની ડીશ કે રકાબીમાં શાહીચુસ (ટીસ્યુ પેપર) મૂકો. તેની ઉપર ગણીને પચ્ચીસ કે પચાસ કે સો બીજ ગોઠવો પછી તેના ઉપર શાહીચુસ પલળી જાય તેટલુ પાણી રેડો ત્યારબાદ બીજી ડીશ તેની ઉપર ઉંધી ઢાંકી મૂકી દો. અંદરનું શાહીચુસ કોઈપણ વખતે તપાસતાં રહો જે બીજનો ફણગો નીકળી આવે તેને નાના ચીપીયા વડે ઉપાડીને બહાર કાઢી નાખો. દરરોજ કેટલા બીજ ઉગે તેની નોંધ રાખો. અને છેવટે જે બીજ બિલકુલના ઉગે તેની નોંધ કરો અને ઉગેલા બીજનો સરવાળો કરો. સ્ફુરણ શકિતના ટકા શોધી કાઢો. માની લો કે એક ડીશમાં આપણે પ૦ પપૈયાના બીજ ગણીને નાખ્યા છે. પ્રયોગ દરમ્યાન ૪પ બીજ ઉગીને નીકળ્યા છે. પાંચ બીજ ઉગી શકયા નથી તો તે મુજબ સ્ફુરણ ટકા ગણવા. બીજની માવજતો – કેટલાક બીજનું બીજાવરણ ખુબ જ કઠણ હોય છે. તેથી તેનાં બીજ જમીનમાં લાંબો સમય પડી રહે છતાં ઉગતા નથી. બીજની સ્ફુરણ શકિત બરાબર હોય પરંતુ બીજાવરણમાં થઈને ભેજ ભ્રુણાગ્ર સુધી પહોંચી શકતો નથી. તેથી સ્ફુરણ થતુ નથી. દા. ત ચીકું, રાયણ વગેરે આવા સખત બીજાવરણવાળા બીને જલદી ઉગાડવા માટે ખાસ પ્રકારની માવજતો આપવામાં આવે છે.
૧. યાંત્રિક માવજતઃ બીજના ઉપલા કવચને કોઈપણ યાંત્રિક રીતે ઘસીને, કાણુ પાડી અથવા તોડીને ભેજ સહેલાઈથી દાખલ થઈ શકે તેમ કરવાથી કઠણ કવચવાળા બીજનું જલ્દી સ્ફૂરણ થઈ શકે છે. બોરનાં બીજને હથોડીથી તોડવુ, કાનસથી ઘસવુ, પથ્થર ઉપર ઘસવું, શારડીથી કાણુ પાડવુ તેને યાંત્રિક માવજત કહેવાય. પરંતુ એક એક બીજને આ રીતે માવજત આપવી મુશ્કેલ છે. બીજને સ્કેરિફાયર નામનાં એક સાદા યંત્ર વડે માવજત આપી શકાય. સ્કેરિફીકેશનઃ સખત બીજાવરણ વાળા બી ને વહેલા ઉગાડવા માટે સ્કેરિફાયર નામના એક સાદા યંત્રમાં આપવામાં આવતી માવજતને સ્કેરિફીકેશન કહે છે. આ યંત્ર લીલી હળદર સાફ કરવાના યંત્ર જેવા જ હોય છે. એક લાકડાની કોઠી અંદરની સપાટી ઉપર કાનસ જેવા પરંતુ સખત દાંતા બેસાડેલા હોય છે. કોઠી એક ઘોડી ઉપર આડી ગોઠવીને ગોળ ગોળ ફેરવી શકાય તેવી રચના કરેલી હોય છે. કોઠીની મધ્યમાં બીજ નાખવા તથા કાઢવા ઢાંકણ હોય છે. આમ એક સાથે વધારે બીજ કોઠીમાં રાખી ગોળ ગોળ ફેરવવાથી બીજ દાંતા સાથે ઘસાય છે અને કઠણ પડ પાતળુ થઈ જાય છે.
ર. સાયણિક માવજતઃ
સલ્ફયુરિક એસિડ, હાઈડ્રોકલોરિડ એસિડ, પોટેશિયમ હાઈડ્રોકસાઈડ વગેરેના યોગ્ય પ્રમાણથી મંદ બનાવેલા દ્રાવણોમાં બીજને યોગ્ય સમય બોળી રાખવાથી બીજાવરણ નરમ પડે છે. આમ સ્ફુરણ જલ્દી થાય છે. રાસાયણિક દ્રાવણમાંથી કાઢી બીજને તરત જ ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ નાખવા જાઈએ. રાસાયણિક માવજતમાં રસાયણની સાંદ્રતા તથા તેમાં બોળી રાખવાનો સમય ચોકકસ જાળવવો જાઈએ નહિતર બીજની સ્ફુરણ શકિત નાશ પામે છે.
૩. બીજને પાણીમાં પલાળવાઃ
સામાન્ય રીતે કઠણ બીજાવરણને નરમ બનાવવા માટે સાદુ અને ચોખ્ખુ પાણી પણ ચાલી શકે. જુદા જુદા બીજને જરૂરીયાત પ્રમાણે ૪,૬,૮,૧ર કે ર૪ કલાક પાણીમાં ભીંજવી રાખવામાં આવે તો પણ બીજનું સ્ફુરણ જલ્દીથી થાય છે. જા તે વધારે સમય સુધી બીજને પાણીમાં રાખવાનું હોય તો પાણી દર ર૪ કલાકે બદલી નાખવુ જાઈએ. કેટલીક વખત એવુ બને છે કે વાવણીનો સમય થઈ ગયો હોય અને વરસાદ
અપુરતો હોય તો બીજ ઉગશે કે નહી તેવા સંશય સમયે અનુભવી ખેડૂતો જુવાર કે બાજરીનું બીજ વાવણીની આગલી રાત્રે પલાળી રાખે છે અને બીજે દિવસે ખેતરમાં વાવી દે છે. આમ સમયસર વાવણી કરી શકાય છે. કઠણ બીજાવરણવાળા બીજને ગરમ પાણીમાં પલાળી રાખવાથી પણ બીજ જલ્દી ઉગી નીકળે છે.
૪. છાણ મૂત્રનાં રગડાની માવજતઃ
ઢોરનાં છાણ મૂત્રમાં જુદા જુદા ઘણા અકાર્બનિક રસાયણો અને અંતઃસ્ત્રાવો હોય છે. આ બધાની રાસાયણિક અસરથી બીજાવરણ જલ્દી નરમ પડી જઈને બીજ ઉગવાને શકિતમાન બને છે. સાથે સાથે છોડ જલ્દી વૃધ્ધિ પણ કરે છે. સ્ટ્રેટિફીકેશનઃ સફરજન, ચેરી, પીચ, પ્લમ અને પીયરનાં બીજ તાજા જ વાવી દેવાથી ઉગતા નથી કારણકે તેમને ઉગતા પહેલા થોડાક આરામની જરૂર પડે છે. ફળ બરાબર પાકી ગયું હોય તેમ છતાં અંદરનું બીજ પૂર્ણ રીતે વિકસેલ હોતા નથી તેથી આવા બીજને સ્ટેટિફીકેશનની માવજત આપવી પડે છે. એક વાસણમાં અથવા લાકડાના બોકસનાં તળીયે કાણા પાડી તેમાં રેતી અથવા માટીના થર એક પછી એક પાથરતા જઈ દરેક થરની વચ્ચે બીજને પાથરવામાં આવે છે અને ઉપરથી પાણી આપીને રેતીને ભીંજવી રાખવામાં આવે છે. સ્ટેટિફીકેશનની માવજત દરમ્યાન બીજ આરામની અવસ્થામાં રહેતા હોય આ માવજત શીતાગારમાં નીચા ઉષ્ણતામાને જ આપવામાં આવે છે.