“ આ તો પેલી રાજસ્થાની બાઈશા જ છે ને!”
કાયમ રાજસ્થાની ભરતગૂંથણથી ભરેલાં ચણીયા ચોલી પહેરતી અને માથે આભલા વાળી ઓઢણી ઓઢતી સાયશાને હાલમાં પ્રવેશતી જોઈને પ્રવિણે આશિષને કોણી મારીને સાયશાને બતાવતાં બોલ્યો.
“હા. કોણ જાણે એનાં મનમાં શું સમજતી હશે પોતાને? પોતાનાં પ્રદેશનાં ભારેભરખમ જુનવાણી કપડાં પહેરીને એને શું બિઝનેસ કર્યો હશે? એણે શું બિઝનેસ કર્યો હશે?” આશિષે સાયશા તરફ જોઈને મોઢું બગાડ્‌યું.
“પણ એ અહીં શું કરવા આવી હશે? હજુ એણે રાજસ્થાની ટ્રેડિશનલ કપડાં અને ઓર્નામેન્ટ્‌સનો બિઝનેસ શરૂ કર્યો એને બે વર્ષ જેવું જ થયું છે. એને શું લાગતું હશે કે આપણે છેલ્લાં ૧૫-૧૫ વર્ષથી આટઆટલી મહેનત કરીને આપણો બિઝનેસ ધમધમતો કર્યો. ને બેસ્ટ હાર્ડ ર્વકિંગ એન્ડ સક્સેસફુલ બિઝનેસ મેન ઓફ ધ યરનો ખિતાબ એ લઈ જશે!” પ્રવિણે તેની અંદરની અદેખાઈ ઠાલવી.
મુંબઈના નહેરુ હોલમાં આજે એક નવો જ એવોર્ડ શા થવાનો હતો. જેમાં યંગસ્ટર્સ દ્વારા શરૂ કરેલો બિઝનેસ હોય અને સફળ થયો હોય. તેમાં અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપવાનાં હતાં. પ્રવીણ અને આશિષ પણ ઘણાં વર્ષોથી પાર્ટનરશીપમાં બિઝનેસ કરતાં હતાં. તેઓએ ઘણી ઊંચાઈઓ સર કરી હતી.
સાયશા રાજસ્થાનનાં એક નાનકડા ગામમાંથી આવતી હતી અને તેને રાજસ્થાની ટ્રેડિશનલ કપડાં અને ઓર્નામેન્ટ્‌સને જીવંત રાખવા તેનો બિઝનેસ કરતી હતી. નવરાત્રી સિવાય હવે આ કપડાં લગ્નપ્રસંગ કે રિસેપ્શનમાં પણ ટ્રેન્ડી થવા લાગ્યા હતાં. સાયશા બિઝનેસ વુમન બની ગઈ હોવા છતાં ટ્રેડિશનલ કપડાં જ પહેરી રાખતી અને બહુ જ ઓછાબોલી હતી. એટલે બધા તેને બાઈશા જ કહેતાં.
બધા મહેમાનો અને યંગ બિઝનેસમેન આવી ગયા એટલે કાર્યક્રમ શરૂ થઈ ગયો. એક પછી એક એવોર્ડ વિનર્સનાં નામ આવતાં ગયાં અને એવોડ્‌ર્સ અપાતા ગયાં. પણ અફસોસ કે પ્રવિણ, આશિષ કે સાયશા આ ત્રણમાંથી એકેયનું નામ આ એવોડ્‌ર્સ વિનરમાં ન આવ્યું. વિનરમાં તો નહીં પણ નોમિનિઝ તરીકે પણ ન લેવાયું.
સાયશાનું મોઢું તો હજુ હસતું જ હતું. પણ પ્રવિણ અને આશિષ મોઢું ચડાવીને બેસી ગયાં હતાં. એટલામાં એન્કરે એક આખરી અને સરપ્રાઈઝ ઍવોર્ડની જાહેરાત કરી જે ‘ બિઝનેસ મેન/વિમેન ઓફ ધ યર’ તરીકે જાહેર થવાનો હતો.
આ સાંભળતાં જ પ્રવિણ અને આશિષ ઊંચાનીચા થવા લાગ્યાં. એટલામાં નામની જાહેરાત થઈ, એન્ડ ધ વિનર ઈઝ સાયશા…
તાળીઓના ગડગડાટ વચ્ચેથી સાયશા ભરત ભરેલી ઓઢણી વડે હરખનાં આંસુ લુછતી સ્ટેજ પર પહોંચી, એવોર્ડ સાથે માઈક પણ હાથમાં થમાવી દીધું. સાયશાને શું બોલવું તે સમજાતું નહોતું.
“વેન આઈ લેફ્‌ટ રાજસ્થાન ફોર માય બિઝનેસ.એન્ડ સેટલ ઈન મુંબઈ સમ અનએજયુકેટેડ પીપલ … ફ્રોમ માય વિલેજ સેઇડ ધેટ, યે અપને આપ કો કયા સમજતી હે? યે બાઈશા ઘાઘરા-ચોલી પહન કે સેટલ્ડ બિઝનેસમેન કે સામને ટીક પાયેગી? યે કયા બિઝનેસ કરેગી? એટ ધેટ ટાઈમ આઈ ડિડનોટ આન્સર ધેમ. બટ નાઉ માય આન્સર ફોર ધેમ ઈઝ….” એમ કહીને સાયશાએ પોતાનો એવોર્ડ ઊંચો કરી બતાવ્યો. સાયશાનો જવાબ, સ્પીચ અને કડકડાટ અંગ્રેજી સાંભળીને પ્રવીણ અને આશિષનું મોઢું જોયા જેવું હતું.