અમરેલી શહેરમાંથી ૨ સહિત જિલ્લામાંથી કુલ ૪ મોટર સાયકલની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. અમરેલીમાં રહેતા ભાર્ગવભાઈ ગોરધનભાઈ ગોહીલ (ઉ.વ.૫૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ૧૫ હજારની કિંમતનું મોટર સાયકલ અમરેલી એસટી સ્ટેશન બહાર જીઈબીના ટીસી પાસેથી અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અમરેલીમાં રહેતા અને એસ.ટી. ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવરાજભાઈ ભાનુશંકરભાઈ તેરૈયા (ઉ.વ.૩૭)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ૧૫ હજારની કિંમતના મોટર સાયકલની અજાણ્યો ચોર ઇસમ એસ.ટી. બસ સ્ટેન્ડ પૂછપરછ બારી પાસેથી ચોરી કરીને લઈ ગયો હતો. બંને કેસની તપાસ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા કરી રહ્યા છે. મૂળ રાજુલાના પટવા ગામે રહેતા જીવાભાઈ ગીગાભાઈ મકવાણા (ઉ.વ.૫૫)એ ઘાંડલા ગામે ઉકાભાઈ જીવાભાઈ પરડવાની વાડી ભાગવી રાખી હતી. વાડીએ મકાનની સામે રસ્તા પર તેમણે ૩૫ હજારની કિંમતનું મોટર સાયકલ પાર્ક કર્યું હતું. જેની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એ. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. ખાંભાના ભગવતીપરામાં પાર્થ હોટલ પાસે રહેતા અજયભાઈ શંભુભાઈ જીંજુવાડીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમણે ૫૦ હજારની કિંમતનું તેમનું મોટર સાયકલ બહાર શેરીમાં પાર્ક કર્યું હતું. રાત્રે વાડીએ જવા તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે મોટર સાયકલ મળ્યું નહોતું.