જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની પેટ્રોલિંગ ટીમ ઉપર આતંકી હુમલો થયો હતો, જેમાં બે જવાનો શહીદ થયા છે. આતંકવાદીઓ નાસી છૂટયા હોવાથી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આખા વિસ્તારને કોર્ડન કરીને એલર્ટ જોરી કરાયો છે.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની પેટ્રોલિંગ ટીમ ગુલશન ચોકમાંથી પેટ્રોલિંગમાં નીકળતી હતી ત્યારે તેમના પર આડશનો લાભ લઈને અંધાધૂંધ ગોળીઓ વરસી હતી. પોલીસ વાહનને નિશાન બનાવીને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
પોલીસે વળતો જવાબ આપ્યો હતો, પરંતુ આતંકવાદીઓ નાસી છૂટયા હતા. આ આતંકવાદી હુમલામાં બે જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલ થયેલા બંને જવાનોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓ શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આખા ચોકમાં નાગરિકોની હાજરી હતી એટલે સુરક્ષાદળોએ ચોકમાં આતંકવાદીઓની જેમ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. એ તકનો લાભ લઈને આતંકીઓ પલાયન થયા હતા. એ પછી આખાય સુરક્ષાતંત્રને એલર્ટ પર મૂકીને બાંદીપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
આતંકવાદીઓને પકડવા માટે આખાય વિસ્તારની નાકાબંદી કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના નિવેદનમાં કહેવાયું હતું કે આતંકવાદીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે. આ આતંકી હુમલો જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠન ધ રેજિસ્ટન્ટ ફ્રન્ટ એટલે કે ટીઆરએફે કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.